અનામી ! અનામી !

Dhumketu

Artwork by Vladimír Holina

[૧]

મારું મન, ભગવાન જાણે એ શાનું બનેલું છે, પણ એના અતળ મહાસાગરમાંથી ક્યારેક અસંખ્ય માનવીઓની કોણ જાણે ક્યાં સંતાઈ બેઠેલી કતાર ઊભી થાય છે, ત્યારે હું ખરેખરો ગભરાઈ જાઉ છું. જલપ્રવાહમાં આવી રહેલી એક પછી એક નૌકાની માફક, એ આવી આવીને પોતપોતાની કથનિકાઓ આપવા માંડે છે અને હું તે, એમાંથી કોને લઉં અને કોને ન લઉ, એ દ્વિધાવૃત્તિમાં ઘણી વખત કોઈને જ લઈ શક્તો નથી ! અને એ વણજાર મને એમ ને એમ અસહાય જેવો રાખીને, જાણે દૂર દૂરની મુસાફરીએ નીકળી પડે છે. હું મનમાં આળસુ આનંદ લઉં છું કે ઠીક થયું, કારણ વિનાની આ પારકી પંચાતને કાગળ ઉપર આપણે ચીતરવી મટી, પણ એટલામાં તો પાંચેપંદરે પાછી એની એ કતાર, બીજા વધારાના મહેમાનો સાથે આવીને, મારે આંગણે ધામા નાખે છે ! અરે, મારી પાસે જો થોડીક જ પીંછીની કલા હોત ! ઓછામાં ઓછા એક હજાર એકબીજાથી તદન વિભિન્ન એવા ચહેરામોરા, મારા આ નાનકડા હૃદયમાં સંતાઈને બેઠા છે. એક જ વખત એ સઘળાને હું રંગરેખા ઉપર મૂકીને પછી નિરાંતે હીંચકે બેઠો બેઠો, આખો દિવસ કાં ચા પીત, પાન ખાત, ને બહુ થાત તો બે-ચાર શેતરંજની બાજી, કોઈ મારા જેવા નવરાધૂપ સાથે ખેલી નાખત. એમ ને એમ શાંત જીવનપ્રવાહ વહી જાત ! પણ એવો કોઈ આરામ મારા ભાગ્યમાં હોય એવું જણાતું નથી. એમાં તો કામ કરતાં કરતાં ઢળી પાડવાના અક્ષર મંડાણાં લાગે છે. આજ મારા મનમાં સિંધનો સુમરો આવી ચડ્યો છે. તદ્નન છેવાડા ભાગમાં એણે પોતાનો નવો વસવાસ શરૂ કર્યો ત્યારે મસલમાન તો મસલમાન, પણ એને કાંઈ હિંદુ પાડોશીઓનો ચેપ લાગ્યા વિના રહે ? એણે પણ ધરમાં વાસ્તુ કર્યું હતું, અને આખા કુટુંબે, નાનાંમોટાં થઈને પચ્ચીસ માણસોએ મજૂરી કરીને, અમને સૌને પ્રેમથી પોતાને આંગણે નોતર્યા હતાં.

આજ શે સુમરાનાં તદ્દન જર્જરિત બનેલાં ખંડેર મારી સામે આવીને ઊભાં રહ્યાં છે !

અને આવાં જીવંત ખંડેરોએ એ કોઈ થોડાં ધૂળમાટીનાં હોય છે ? એમાં તો કેટલાં આંસુ, કેટલાં રુદન, કેટલી આશા, અરે ! કેટલી છાની પ્રેમગોષ્ઠિ, કેવી કેવી વિશ્રમ્ભકથાઓ, કેવી રસિક મશ્કરીઓ, કેવી સુંદર કુલવધૂઓ, કેવા કોડભર્યા નવજુવાનો, કેટલા સાદા વૃદ્ધજનો, કેવી અજ્ઞાન ભરેલી કરુણતાઓ, કેટલી બધી અન્યાયકથાઓ, કેટલા બઘા માનવીઓ, પોતપોતાની હવાઈ જિંદગીથી, હજી પણ માટીના કણેકણને ભરી દેતા, હરતાફરતા દેખાયા છે ! આજ એવું એ સુમરાનું ખંડેર મને યાદ આવે છે. સુમરા આ. સંધમાંથી ભાગીને આવ્યા હતા એમ કહેવાતું હતું.

[૨]

આ સુમરો સંધમાંથી ભાગીને આંહી રોટલા રળી લેવા આવ્યો એ ખરું, પણ એને મસલમાનને પાડોશમા કોણ સંઘરે ? શરૂ શરૂમાં તો કોઈએ એને સંઘર્યો નહિ.

પણ જેનું કોઈ ઘરાક નહિ, એનું ઘરાક અમારો વસવાટ. એ બિચારો કોઈને રહેવાની ના ન પાડે ! ત્યાં અઢારે આલમ આવે ને જાય. એના મનમાં એનો કાંઈ દખ ધોખો નહિ. કારણ કે ઘારવાળા નાનકડા જમીનખૂંચ્યા પથરાવાળી એ વસવાટની છેવાડાની જમીનનો ભોજિયોય ઘણી થાય તેમ ન હતો. એટલે એ છેવાડાની ભૂમિમા સુમરાએ પોતાનો આધાર શોધ્યો. ત્યાં એ પોતાના પચીસ માણસના જૂથને લઈને થોરની વાડની છાયામાં, પોતાની વેરવિખેર ઘરવખરી નાખીને પડ્યો. એની સાથે એક ગાવડી હતી. બે કાંધગળતા દૂબળાપાતળા બળદ હતા. સત્તર ઠેકાણે સાંઘેલો એક એકો હતો. એક એનું સાથી, છેક સંઘથી આવેલું, બાંડિયું ગધેડું હતું ને પાંચપંદર ગાભા હતા. ફૂટલતૂટલ માટલાંની તો ગણતરી કરવાની હોય નહિ ! પણ એની સંઘમાંથી આણેલી આ સમૃદ્ધિ સાથે એણે આંહીં નવી જિંદગી માંડી.

એને આ ભૂમિનો પ્યાર કેમ લાગ્યો એ ભગવાન જાણે, પણ બીજે કોઈ ઠેકાણે એનું મન ઘરપત પામ્યું નહિ હોય, અને આંહીં આસપાસમાં કોઈ પાડોશ નહિ, પાડોશમાં પાડોશ એક મીરાંણી, એને બન્ને પગે ખરજવું હતું, એટલે ચીંથરાં વીંટીને એ પોતાના ફળીમાં પડી રહેતી, ભાગ્યે જ બહાર ફરક્તી. એનો નિકટમાં નિકટ પાડોશ આ ! બીજો પાડોશ પછવાડે સૂંથિયાં સાવરણી બનાવનારા રાવળિયા રહેતા એ. પણ એ તે કાંઈ પાડોશ

કહેવાય ? એમાં એક વહુને બરલ હતી. બીજી અપંગ હતી. એ બધાં માગીભીખીને રોટલો ખાય તેવાં ! એટલે સુમરાને શું કામ આવે તેમ હતાં ?

એનો ખરો પાડોશી, એનો ભડ આધાર, એના સુખદુઃખનો સાથી, જે ગણો તે, પેલી થોરની વાડનો છાંયડો ! એ સિવાય બીજો કોઈ નહિ.

આ સુમરાએ ધીમે ધીમે જમીન સાથે દોસ્તી માંડી. એનાં ઘરનાં નાનાંમોટાં પચીસ જણાં — પચીસે કામઢાં. છ વરસનું છોકરું પણ પોતાનો રોટલો રળી લ્યે. કો'ક્ના ઢોરમાં આઢે — ને મોડી સાંજે આવળબાવળ કે ખેરખાખરાનું જેવું મળ્યું તેવું લાકડું લઈને ઘેર આવે. ખાલી હાથે એ ન આવે !

ધીમે ધીમે એણે માટી મટોડાંનાં ઘર ઊભાં કર્યાં. ઢોરઢાંખરને બાંધવાની ચોખ્ખી જગ્યા કરી. ચારે તરફ ઊભેલી વાડનાં છીંડાં પૂર્યા. થાય તેમ તો ન હતી, છતાં પીપરની ડાળીઓ વાવીને, બે-ચાર ઝાડનો છાંયો પણ ઘરઆંગણામાં લાવવા મહેનત માંડી. એના જીવનમાં ઝાડનો છાંયડો એ કાંઈ જેવુંતેવું સમૃદ્ધિનું અંગ ન હતું. થોડા વખતમાં તો એણે એ વસવાટને કિલ્લોલ કરતો કરી મૂક્યો.

કોઈ માને નહિ કે આ સુમરાં સંઘમાંથી રાત લઈને ભાગ્યાં હશે, એમાં એ કામઢાં.

સુમરાના ઘરનું કોઈ છોકરું પણ, એના ફળીની બહાર ભટકવા નવરું મળે નહિ. એટલે એમાં કોનું શું નામ હતું એ પણ કોઈને આડોશપાડોશમાં ખબર મળે નહિ. એ સુમરા કહેવાતા. ને એ ફળી એ સુમરાવાળું ફળી કહેવાતું. થોડા વખત પછી તો એ ફળી લીલી ચારના ઢગલાથી મઘમઘવા માંડયું. ત્યાં બોધરણામાં ભેંસના દૂધની શેડ સંભળાવા માંડી. ત્યાં ગાડાં ગાડી આવવા જવા માંડયાં. સાંજ પડયે ત્યાં હળ-સાંતી દેખાવા માંડયા. એક ઢેઢનું ખેતર કોઈ ખેડતું ન હતું, સુમરાએ અરધિયાણ ભાગે એ રાખ્યું ને મહેનત કરી. એણે પોતાની જમાવટ કરવા માંડી. સુમરાવાળું ફળી હસતું થઈ ગયું. જોનારને લાગે કે આ જમીનને ખરેખર જાણે જોબન આવ્યું છે એટલો બધો ત્યાં કોલાહલ ને કામનો દેકારો દેખાવા માંડ્યો !

[૩]

એક દિવસની વાત છે. રાતે નવ સાડા નવે નિરાંતે બેઠા અમે ગપ્પા હૉંકી રહ્યા હતા, ત્યાં એક આધેડ ડોસો દેખાણો. અમે અનુમાને જ ધાર્યું કે આ સુમરાનો ડોસો છે. આવીને એ ત્યાં બેઠો. થોડી વાર થઈ ને એણે પોતાના પાણકોરાના ચુડીબંધ કડિયાની ખીસીમાંથી પૈસો કાઢ્યો. એક નાનકડી સોપારી કાઢી : “અદા ! જરાક ટીપણું હાથમાં લ્યો તો ! તેણે પૈસો ને સોપારી હાથમાં પક્ડી રાખ્યાં હતા.

મેં ભૂંગળિયું ટીપણું કાઢ્યું. તેણે ટીપણા ઉપર પૈસો ને સોપારી મૂક્યાં. મેં તે લઈ લીધાં. “શું જોવું છે, સુમરા ભાઈ !” એનું નામ શું હતું તે અમે કોઈ જ જાણતા ન હતા.

સુમરાએ ગળુ ખંચેર્યું. પછી થોડી વાર જમીન સામે જોઈ રહ્યો, પછી એ ધીમેથી બોલ્યો : 'એવું છે અદા ! આ જમીનમાં અમારી લેણાદેણી છે કે આંહીં પણ પાછા ભરખાઈ જાશું એ મારે જોવરાવવું છે.’

‘ભરખાઈ જાશો - આંહીં ? અરે ભાઈ ! આંહીં તો તમારે મજો છે. કેમ એવી શંકા પડી ?’

'અમારે ત્યાં આનાથી પણ અદકેરું હતું, અદા ! પણ બધુંય ધનોતપનોત અને ફનાફાતિયા થઈ ગયું.'

'કેમ કરતાં ?'

'કેમ કરતાં શું ? આ વરસ સારું માર્ઠું આવે, તો તમારા જેવાના બે માંડ્યા હોય, શું થાય તે એ બે માંડ્યા હોય એ બાવીશ થઈને તમને ગળી જાય. કોક ઢોરને એરું આભડી જાય. કાં બળદ મરી જાય. ઘરનું એકાદ માણસ કાં ખૂટે કાં ખૂટલ નીવડે. એમ ને એમ બે પાંદડે ન થયા તે ન જ થયા. આ એમ ને એમ રાત માથે લેવી પડી. હવે આંહીં કાંઈ બે પાંદડે થાવાના જોગ છે કે પાછું એવું ને એવું ? ધરતીની પણ માણસને લેણાદેણી નીકળે છે !'

મેં ટીપણું ઉખેળ્યું. ઘન, મકર, કુંભ આંગળી ઉપર ચડાવ્યા. નેત્રને જરાક મીંચ્યાં. નસકોરાના પવનને હાથ ઉપર લીધો. થોડી વાર પછી ક્હ્રું : “સુમરાભાઈ, તમારો આંહીં જેવારો છે. ધરતી સાથે તમારે લેણાદેણી છે. આંહીં તમારો વાળ વાંકો નહિ થાય !’

“તો તો બૌ સારું, અદા | હવે વાજ આવી ગયાં છઇં. માથે ઝાડવા ઊગવા બાકી છે !'

થોડી વાર પછી એ ઊઠ્યો, ને મનમાં આશ્વાસન મળ્યું હોય તેમ ચાલતો થયો. પણ થોડે જઈને જ પાછો આવ્યો : 'અદા !'

'કેમ?'

“આ એક વાત તમને પૂછવાની બાકી છે !'

'પૂછો ને ! શું ?'

'આપણે આ ધરતી ઉપર બે માણસ ભેગાં કર્યા હોય તમારા જેવા પવિતર ભામણ . . . '

'અરે ગાંડાભાઈ ! એવું બોલતા નહિ, બોલતા નહિ. કોક સાંભળશે તો રોટલો અમારો ટળી જાશે.'

પોતે મસલમાન હતો ને બ્રાહ્મણદેવતા મસલમાનનું તો ઘર કાંઈ પવિત્ર કરે નહિ, એ વિચાર આવતાં જરાક ઝંખવાયો, પણ એણે તરત ઉમેર્યું : 'ના એમ નહિ, પણ તમે માબાપ ! તમારે ઘેર જમો જુઠો, . . . પછી શું વાંધો છે ?'

'હા . . . તો કાંઈ વાંધો નહિ !' મેં વિચાર કરતાં કહ્યું.

બીજે દિવસે આખા ઘરનું સીધું સુમરો વહેલી સવારમાં જ ઘેર પહોંચાડી ગયો હતો. એના મનને સંતોષ થયો લાગ્યો કે એણે ધરતીને તૃપ્તિ આપી છે, અને હવે એનો વાળ વાંકો નહિ થાય.

થોરની વાડના છાંયડાને ઘર માનીને નિર્ભય રહેનારો આ ભડ માણસ પણ, કોણ જાણે શું હતું, પોતાના જેવારાની શંકાથી મનમાં ને મનમાં ધ્રૂજતો હતો. સંકટ કઈ તરફથી આવશે એનો જાણે કે એના મનમાં ડર જ રહ્યા કરતો હતો.

[૪]

એવી જ એક બીજી રાતે એ આવ્યો હતો. આ વખતે તો એને પડખેના કોક 'ડાક્તર' ઉપર ચિઠ્ઠી જોઈતી હતી. એના દીકરાનો દીકરો રાતદી બોકાસા દેતો હતો. પોતે સૂતો નહિ ને બીજાને સૂવા દેતો નહિ. એનો એક હાથ તો કાન ઉપર ને કાન ઉપર. એમાં એને કાંઈક દર્દ હતું.

પહેલા પાંચ-સાત દિવસ તો એમણે માથે મારી રાખ્યું, પણ દર્દ વઘતું જ ગયું. કોઈક અડબંગ ડાક્ટરે ઓડનું ચોડ કર્યું ને એના બે-ચાર માપ દાણા કઢાવી લીધા. વૈદને બતાવ્યું તો એણે પડીકી આપીને, એક પાલી રાઇ લીધી. ભૂવાને દેખાડ્યું, એણે પાણી પાઈને અરધો મણ મેથી લીઘી. ફકીરે દોરો કર્યો, સુમરાએ મણ જાર આપી. બાવાએ મંત્ર ફૂંક્યો - રોકડો સવારૂપિયો લીધો ! જે મળે એ, એને જુદું જુદું બતાવે ને એના દાણા ઓછા કરે. એમાંથી તો આ છોકરાનો મંદવાડ વધ્યો. પણ રાતદી જેને કામ કામ ને કામ હતું એ આની પાછળ બેસવાનો વખત પણ ક્યાંથી કાઢે ? એક દવાખાને ગયો તો ત્યાં જૈનેતરને જાનવર માનીને રાખતા ન હતા. બીજે દવાખાને ગયો. ત્યાં બિનહિન્દુ માટે સ્થાન ન હતું. ત્રીજે દવાખાને “કેવળ . . . ને માટે' નું પાટિયું લટકતું હતું, એના છોકરાની વહુ માથું ફૂટવા માંડી. એણે સૌને ઊભા રાખવા માંડયા. 'હું કામ કરું, મારું શરીર તોડીને, તે તમને સૌને સારું લાગે છે કાં ? ને આ ગભરુનો પંદર દી થ્યાં કોઈ ભાવ પૂછતા નથી - કાલથી હું કામે નહિ જાઉ, જાવ !' એણે તાડૂકીને ચોખ્ખો નનૈયો ભયો. સૌ મૂંઝાણા.

એટલે સુમરો કાલે વહેલી સવારે ગાડું જોડીને છોકરાની વહુ સાથે, પડખેના શહેરી દવાખાનામાં જવા માગતો હતો. એના પાડોશમાં બે અક્ષર જાણનાર અમે. એટલે કોઈ ડૉક્ટર ઉપર ચિઠ્ઠી લેવા એ આવ્યો હતો.

ચિઠ્ઠી તો એને એક ઓળખીતા ઉપરની આપી, પણ સુમરો ત્યાં ગયો ત્યારે એને ખબર પડી કે છોકરાના કાનમાં તો કીડા પડી ગયા છે.

એમાંથી છોકરો ધીમે ધીમે તાજો તો થયો, પણ પછી કોઈ દિવસ ખરેખર સાજો થયો જ નહિ. છોકરાની જુવાન માને આ ઘા આકરો પડી ગયો. એને લાગ્યું કે આ કામઢા ડોસલાએ કામમાં ને કામમાં એનો દીકરો ખોવરાવ્યો. ડોસા ઉપર અને કામ ઉપર બન્ને ઉપર એને અણગમો થઈ ગયો. કોઈ દિવસ બહાર નહિ નીકળનારી મીરાણી હવે ક્યારેક સુમરાને ત્યાં બેસવા આવવા માંડી. દોઢ પૈસાના બિનજવાબદાર છાપાની પાસે, જેવાં અક્કલ વિનાનાં ઉશ્કેરાટવાળાં 'હેર્ડિંગ' હોય છે, એવાં વેણ આ મીરાંણી પાસેથી સુમરાની પેલી જુવાન વહુને સાંભળવા મળ્યાં, અને એણે એને ખરાં જ માન્યાં. છોકરો બચી જાત - જો મીરાંણીના કહેવા પ્રમાણે પડખેના રાવળિયાને સવા મણ માતાજીની જાર આપી હોત તો !

એટલે તો એ જુવાન વહુને થયેલો શોક હજાર ગણો ને હજાર વિવિધ રૂપવાળો થઈને એને સતાવવા માંડ્યો. એની પાસે જેવું રૂપ હતું, જેવું જોબન હતું, એવું જ પ્રેમનું પોટલું પણ હતું.

એનું મન, મનમાં ને મનમાં આ વાતને ચિંતવવા માંડ્યું. એમાંથી એને ખાતરી થઈ ગઈ કે છોકરો બચી જાત જો માત્ર સવા મણ માતાજીની જાર આ પડખેના રાવળિયાને આપી હોત તો !

એક દિવસ વળી એને રાવળિયાની વહુ સાથે બોલાચાલી થઈ. એમાં રાવળિયાની વહુએ એવું કહ્યું કે અમારું રખોપું તો હજાર હાથવાળી કરે છે. નવાજૂની કાંક થઈ જાશે, જો વધુ પડતું બોલી છે તો !

હસવું આવે એવી, આવી આવી નાનકડી નાનકડી વાતોમાંથી પોતાની

જાતમહેનત કરીને, જમીનમાંથી સેંકડો મણ અનાજ લાવનારું એ કુઠુબ, છિન્નભિન્ન થવાનાં ચિહ્ન ઊભાં થયાં !

પછી એ છોકરાની વહુનું ચસકી ગયું. ને છોકરો બાપને કાંઈ કહી શક્યો નહિ એટલે એ ભાગી ગયો.

જે જમીનમા સુમરાને જેવારો થવાની ખાતરી આપવામાં આવી હતી ત્યાં એવો પ્રકોપ જોઈને ફરીને એ એક રાતે પાછો સોપારી ને પૈસો લઈને મારા ભૂંગળિયા ટીપણાં પાસે જોવરાવવા આવ્યો !

[૫]

છેવટે એને મારા ભૂંગળિયા ટીપણા ઉપર પણ અશ્રદ્ધા થઈ. એક ભોગળભટિયો એવો આવ્યો કે મારા કરતાં એનું ભૂંગળિયું ટીપણું લગભગ છગણું લાંબુ હતું ! સુમરાની આખી ઓશરી એ ભૂંગળાએ રોકી લીધી હતી ને નાનાં મોટાં તમામ, જાતે આમાં ન માનનારાં હતાં છતાં, પડખેનાં સૌને માનતાં જોતાં, એટલે માનનારા થઈને ત્યાં બેઠાં હતાં !

ભૂંગળિયામાંથી વળી નવી નવી વાત આવી. રાવળિયાના ઉપર દોષ વધુ ચઢ્યો. એનાં જ કામ ત્યાં સુઘીની ખાતરી કરાવી દીધી. મીરાંણીએ એમાં ટેકો પુરાવ્યો. એમાંથી બન્ને કુટુંબને નાહકનો કજિયો થયો.

ત્રીજે દિવસે સુમરાના એક બળદને એક સાપ આભડી ગયો !

થઈ રહ્યું. વાત ઝગડે ચડી. ફોજદારી થઈ. સુમરાને સપાઈસફરાંએ પણ ઠીક ખંખેર્યો.

અ પ્રમાણે ખાલી થયેલો સુમરો બીજે વરસે મોળા વરસમાં ટકી શક્યો નહિ !

(૬)

એક દિવસ વહેલી સવારે હું ત્યાંથી નીકળ્યો તો ફળીમાં ઊભાં ઊભાં, કૂતરાં રુએ. મને નવાઈ લાગી, મોં સૂજણું હજી થયું ન હતું, એટલે હું સાવચેતીથી સુમરાનો ઝાંપલો ઉઘાડીને અંદર ગયો, તો આખું ફળી ખાલીખમ ! કોઈ કહેતાં કોઈ ત્યાં મળે નહિ | આછા અંધારામાં કેવળ શૂન્યતા દેખાતી હતી ! ફેંકી દીધેલા ગાભા ને તૂટલફૂટલ માટલાં પડ્યાં હતાં ! ઓશરીના કિનારા ઉપર મગનો એક સાથિયો પણ કોઈકે પૂર્યો હતો ! હું ચારે તરફ ફર્યો, બધું ખાલીખમ !

સંધમાંથી જેમ રાત લઈને એ આંહીં ભાગી આવાં હતાં, બરાબર એ જ રીતે રાત લઈને સુમરાં પાછાં ભાગી ગયાં હતાં !

એમાં કોઈના નામની કોઈ પડખેવાળાને કદાપી જાણ પણ થઈ નહિ.

સુમરાં ભાગી ગયાં એટલો એક જ શબ્દ ત્યાં પ્રચલિત રહ્યો !

જેમ એ ગામડાને પાદર પથરા હતા, હેફાં હતાં, ઝાડવાં હતાં, એમ સુમરાં હતાં. એ આવ્યાં. ને એ ગયાં !

સેંકડો, હજારો, લાખો ને કરોડો જીવન માટે પણ આ જ વાત તમે

નથી કહેતા ?

એ આવ્યાં . . . ને એ ગયાં !

પણ આમાંનાં એકનું નામ તો તમે ક્હો એ તમારો પ્રશ્ન છે નાં ? ભાઈ ! આ નદીને કાંઠે સેંકડો ઝાડમાંથી, એક ઝાડનું નામ તમે આપો તો !

ઝાડને, પથરાને, ઢેફાંઢળિયાંને અને આવા માનવીને એમને વળી, આપણાં જેવાં બહુમાની નામ શાં ? એ તો અનામી તે અ-નામી !