ત્રણ કાવ્યો

કાનજી પટેલ

ખાવણું

આંખ માથું
હાથ આંગળી
ખોંખાર ડચકાર ટચકાર કિ-કિયારીમાં
હું બોલું
બોર ચાવું
વહેળો ચોપગે પીઉં
મહુડે જીવું

મને જીવવા દે

આ વગ્ગડ ને કાગળનો મેળ
આજ સુધી કેમ બાકીનો બાકી?
કાગળિયે આડશ બાંધી
જળ પર
માડી પર
કે સુકારો પડયો
છાપરાંની ગાંસડી થઈ
એ ગાંસડીએ વાટ પકડી
ખેતી રઝળી
કાગળિયાં મોજમાં વકર્યાં

આ હાથમાં થાળી આવી:

-- રાજા, રાજા, ખાવણું આલ્ય

-- તું જ કહે, હું ખાઉં કે ખાવણું આલું?



દોરા

ઝાઝની નથી આશ
મળે જો મુકામ
સૂરજ અને ધરતીના
એક ફેરા જેટલો
ધરતી ફરતે ચાંદાના
એક આંટા જેટલો
બહુ થઈ ગયું એટલું તો
આ મેદાન પર
આટલું અમથું શમણું
ધૂળમાં લોથ
કાયામાં જાગામીંચમાં ચાલે
એટલાંમાં દોડતું આવ્યું બુલડોઝર
અંડેરી ગંડેરી ટીપરી ટેન
ઓ મિસ્ટર કેટલા વાગ્યા
ઇન મીન ને તીન

*

ઓરમાયું બાળ
ભોંય ખતરોળ્યા કરે
એક સંજોગે ભોંય બોલી
ને બીયું પ્રગટ્યું
એનો વેલો થયો
વેલાને બેઠાં ચીભડાં
ચીભડાં ખાઈને બાળ ફાલ્યું
દુનિયાને વહેમ ગયો
દેખીતું આ કંઈ ખાતું નથી
ને ફાલે છે કેમ?
ચીભડાંનો આ વેલો જ
ધરમૂળથી વાઢો.



બસ, ભાંગ પીએ

ગોળ થઈ બેઠાં
ને ઉપરથી બીડું આવ્યું
કોઈ તો ઝડપો એને
મનમાં ઘૂંટાતું હતું
કોણ બોલે?
શું બોલે?
ખોળિયું બોલ્યું
એક ભોંય ને વસ્તુ
એના ભેગી એને અવેરતી મહેનત
બીજું છે કાગળિયું
કેવી છે આ કઠણાઈ
કાગળિયું ય આ મહેનતે પેદા કર્યું
ભોંય, વસ્તુ કે મહેનત
એકે ય ન બોલે
કાગળિયાં વધે
ખોળિયાંને ન આવડે ભાવતાલ
ભાવ ને તાલ કાગળિયાં કરે
એમ આ બાચકો ભોંય
અમને ભૂખે મારે
ભૂખ્યાં અમે
બસ, ભાંગ પીએ